ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ (૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮) : કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા.