ભોજા અથવા ભોજોનો જન્મ 1785માં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં, જેતપુરની નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઈ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. 12 વર્ષની ઉંમરે, તેઓ તેમના ગુરૂને મળ્યા, જે ગિરનારના સંન્યાસી હતા. 24 વર્ષની વયે, તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછી ભોજા ભગત અને પછીથી ભોજલરામ તરીકે જાણીતા થયા. તેમના પદોમાં તેઓ પોતાને ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા. કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયા લખ્યા છે, પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ગુજરાતીમાં "ભોજા ભગતના ચાબખાઓ" તરીકે જાણીતી છે. સામાજિક વિસંગતતાઓ પર તેમણે પોતાની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા સ્પષ્ટ દેખાય છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન "કાચબો અને કાચબી" પ્રખ્યાત છે. તેમનું સર્જન વિશ્વ સાથે તાદાત્મ્યને દર્શાવે છે.