ઊઠ ઉતાવળો

નરસિંહ મહેતા

ઊઠ ઉતાવળો, ચાલ્યને વિઠ્ઠલા,

ગોવિંદ ગાયને વચ્છ ધાવે;

જાગને જાદવા,જનની જશોદા વદે,

કહાન કાં ઘણી તને નિદ્રા આવે ? ઊઠ ઉતાવળો.

દંતધાવત કરો,આળસ પરહરો,

રજની તિમિર ગયું પોહો ફાટ્યું;

કરમળો કૂરને શે ન શીરાવતો,

દહીં રે દામોદર થાય ખાટું. ઊઠ ઉતાવળો.

બારણું બહાર બળિભદ્ર ઊભા રહ્યા,

જો રે વહાલા તારી વાટ જોયે;

નરસૈંયા સ્વામીનું મુખડું દીઠડે,

માતાનું મનડું અતિ રે મોહે. ઊઠ ઉતાવળો.

••• ✦ •••

શેર કરો

People also search using Uth Utavalo lyrics, lyrics
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in