તારા દુઃખને ખંખેરી નાખ

અવિનાશ વ્યાસ

તારા દુઃખને ખંખેરી નાખ,

તારા સુખને વિખેરી નાખ.

પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક.

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

માટીનાં રમકડાં ઘડનારાએ એવા ઘડ્યાં,

ઓછું પડે એને કાંકનું કાંક, જીવતરનું ગાડું હાંક.

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

તારું ધાર્યું કાંઈ ન થાતું, હરિ કરે સો હોય,

ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોઈ.

ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક?

જીવતરનું ગાડું હાંક.

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

પ્હેરણ ફાટ્યું હોય તો તાણો લઈને તૂણીએ

પણ કાળજ ફાટ્યું હોય તો કોઈ કાળે સંધાય ના.

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ.

મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ.

ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે

અમથી ના ભીની કર તું આંખ, જીવતરનું ગાડું હાંક.

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using tara dukhane khankheri nakh lyrics, lyrics, tara dukhane khankheri nakh gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in