સુખદુઃખ મનમાં ન આણીએ

નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં ... સુખદુઃખ

નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી ... સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી ... સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી ... સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી ... સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;

તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી ... સુખદુઃખ

શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી ... સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે ... સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;

ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી ... સુખદુઃખ

••• ✦ •••

શેર કરો

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in