પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.ટેક.
ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે—પ્રાણિયા. ૧.
ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે—પ્રાણિયા. ૨.
ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે—પ્રાણિયા. ૩.
સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે—પ્રાણિયા. ૪.
સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે—પ્રાણિયા. ૫.
સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે—પ્રાણિયા. ૬.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો