પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

નરસિંહ મહેતા

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

હરનિશ એને ધ્યાવું રે,

તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,

મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી

અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,

દુર્વાસાએ માનભંગ કીધો રે,

મેં મારું અભિમાન તજીને,

દશ વાર અવતાર લીધો રે ... પ્રાણ થકી

ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,

મારા સેવકની સુધ લેવા રે,

ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,

મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી

લક્ષ્મીજી અર્ધાંગના મારી,

તે મારા સંતની દાસી રે,

અડસઠ તીરથ મારા સંતને ચરણે,

કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી

સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,

સંત સૂએ તો હું જાગું રે,

જે મારા સંતની નિંદા કરે,

તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી

મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,

વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,

એક વાર વૈષ્ણવ મુજને બાંધે,

તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી

બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,

ઉભા ગાવે ત્યાં હું નાચું રે,

વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,

ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી

••• ✦ •••

શેર કરો

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in