પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા, માતા, બંધુ, અનુપમ સખા હિત કરણા;
પ્રભા, કીર્તિ, કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદુ છું, વિમલસુખ સ્વામી જગતના.
સહુ અદ્ ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ ભુત નિરખું,
મહાજ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું;
દિશાની ગુફાઓ, પૃથિવી ઊંડું આકાશ ભરતો,
પ્રભો ! તે સૌથી યે પર પરમ તું દૂર ઉડતો.
પ્રભો ! તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલયે નાથ તું છે;
અમારા ધર્મોનો અહરનિશ ગોપાલ તું છે.
અપાપી-પાપીનું શિવસદન કલ્યાણ તું જ છે.
પિતા છે એકાકી, જડ સકલ ને ચેતન તણો,
ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો;
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા ! તુંથી અધિક પછી તો કોણ જ હશે?
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુપરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું, હીણો હું છું તો તુજ દરશના દાન દઈ જા.
પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદના એ ગમ વહે;
વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી,
દયાના, પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું,
કૃત્તિ ઇંદ્રિયોની, મુજ મન વિષે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈ કરું,
ક્ષમા દૃષ્ટે જો જો, તુજ ચરણમાં ધરું.
શેર કરો
ઓડિયો / વિડીયો શોધો