જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો,
દિન દુખીયા ના આંસુ લો’તા, અંતર કદી ન ધરજો,
મારુ જીવન અંજલિ થાજો…
સત ની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો,
ઝેર જગત ના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો,
મારુ જીવન અંજલિ થાજો…
વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપ થાજો,
હૈયાના પ્રત્યેક સ્પન્દ ને, તારું નામ રટાજો,
મારુ જીવન અંજલિ થાજો…
વમળો ની વચ્ચે નૈયા મુજ, હાલક ડોલક થાજો,
શ્રધ્ધા કેરો દિપક મારો, નવ કદીયે ઓલવાજો,
મારુ જીવન અંજલિ થાજો…
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો