ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી
અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી
કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી
લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી
ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો