જ્યાં લગી આત્મા અંગમાં છે,
ત્યાં લગી હરિ હરિ તું કહે ... ટેક
હાલતાં હરિ ને ચાલતાં હરિ,
ને બેસતાં હરિ તું કહે;
સુતાં પહેલાં જે સ્મરણ કરે ભાઇ,
તેની બોલો જય જય ... જ્યાં
લીધા રે સરખું નામ હરિનું,
લઇ શકે તો લે,
દીઘા રે સરખું દાન છે અન્નનું,
દઇ શકે તો દે ... જ્યાં
આ રે સંસારીઓ સર્વે ખોટા
ને સાચી વસ્તુ બે;
એક તો પુણ્ય, બીજું હરિભજન ભાઇ,
જીવડા સમજી લે ... જ્યાં
દૃષ્ટ પદારથ સર્વે ખોટા ને
આત્મા અખંડ છે;
કીડી થકી તે કુંજર લગણ ભાઇ,
કાળચક્કરનો ભે ... જ્યાં
એક દિન આંગણે દીવા, વિવાહ, ને વળી
ઢોલ શરણાઇ વાગે;
કહે 'જીવણ ' એવો એક દિન આવશે,
સ્મશાને ધગશે ... જ્યાં
શેર કરો
ઓડિયો / વિડીયો શોધો