જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર

જેસલ તોરલ

જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર,

સ્વપના જેવો આ સંસાર, તોરિ રાણી કરે છે પોકાર,

આવોને જેસલરાય, પ્રેમથકી આપણ મળિયેં,

પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં— ટેક.

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ્‌ગુરુને ધાર,

જાવુ ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર—આવોને. ૧.

ગુરુનાં જ્ઞાનનો નહીં પાર, ભગતી ખેલ ખાંડાની ધાર;

નુગરા શું જાણે સંસાર, એનો એળે ગ્યો અવતાર—આવોને. ૨.

ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ;

જ્યાં નામનો વિશ્વાસ, દીનનો નાથ પૂરે આશ—આવોને. ૩.

નિત નિત નાવાને જાય, કોયલ ઉજળી નવ થાય;

માવઠાને મેઘે કણ નવ થાય, ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય—આવોને. ૪.

દેખાદેખી કરવાને જાય, આતમા દીવડિયો દરશાય;

કૂડિયા કૂવે પડવા જાય, મૂરખા મુડિયો ગુમાય—આવોને. ૫.

ભેદુ વિના ભેળાં ન થાય, એ તો અધુરિયાં કહેવાય;

એને કાંય નૂર ન વરસાય, એનાં કલ્યાણ કેમ કરી થાય.—આવોને. ૬.

છીપું સમુદરમાં થાય, એની સફળ કમાઇ થાય;

સ્વાતીના મેહુલા વરસાય, ત્યાં તો સાચાં મોતી થાય—આવોને. ૭.

હીરા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાય;

ફૂટે ફટકિયાં કે’વાય, તેની ખરે ખબરૂં થાય—આવોને. ૮.

ચંદા સુરજનો ઉજાશ, નવલખ તારા એને પાસ,

પવન પાણીનો પરકાશ, ચૌદ ભુવન તેની આશ—આવોને. ૯.

સવાલાખ કોથળિયો બંધાય, પૂરા ગાંધીડા કહેવાય ;

એવા સંત વિરલા થાય, હીરા માણુક સ્યા વેરાય—આવોને. ૧૦.

એના ધરમેં દશ અવતાર, પાંચ સાત નવ બાર;

કરોડાં તેતરીસા તાર, રૂષિ અઠ્યાશી હજાર—આવોને. ૧૧.

સતયુગ *રત્નાવર પ્રહલાદ, ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય;

દ્વાપર દ્રુપદી ધર્મરાય, કલિયુગ વિંધ્યા ને બળિરાય—આવોને. ૧૨.

પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ, પ્રેમનો જોતનો પ્રકાશ;

તોરિ રાણી જાણો તે અંબાર, સાહેબો પૂરે આપણી આશ—આવોને. ૧૩.

સતની માંડવી બંધાય, પ્રેમના પડદા રચાય;

જતિ સતી તિહાં ભેળા થાય, તિહાં નૂરને પરસાય—આવોને. ૧૪.

હેતે હરિ ગુણ ગાય, પ્રેમે ગુરુ પૂજા થાય ;

કોરી પાવરીએ વરતાય, ચાર જુગની વાણી સતી તેરલ રાણી ગાય—આવોને. ૧૫.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Jesal Kari Le Vichar Mathe JamKero Mar lyrics, jeshal kari le vichhar mate jmkero mar lyrics, Jesal Kari Le Vichar Mathe JamKero Mar gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in