જળકમળ છાંડી જાને બાળા

નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ

કહે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો

નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,

મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારીઓ … જળકમળ

રંગે રૂડો રૂપે પુરો, દિસંતો કોડિલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો

જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીયો,

આટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરીયો,

શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણએ કાળીનાગ નાથિયો,

સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે

મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,

અમો અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરી સગ મોતીડે શ્રીકૃષ્ણને વધાવિયો,

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Jalkamal Chhandi Jane Bala lyrics, natavar nanudo, jalkamal chandi, jal kamal lyrics, Jalkamal Chhandi Jane Bala gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in