હરિહરિ રટણ કર કઠણ કળિકાળમાં,
દામ બેસે નહિ કામ સારશે;
ભક્ત આધીન છે,શ્યામસુંદર સદા,
તે તારાં કારજ સિદ્ધ કરશે. હરિહરિ.
અલ્પ સુખ સારું શું,મૂઢ ફૂલ્યો,
શીશ પર કાળ રહ્યો દંત કરડે;
પામર પલકની ખબર તુજને નહીં,
મૂઢ શું જોઇને મૂછ મરડે? હરિહરિ.
પ્રૌઢ પાપે કરી,બુદ્ધિ પાછી ફરી,
પરહરી થડ શું ડાળે વળગ્યો;
ઈશને ઈર્ષા છે નહીં,જીવ પર,
આપણે અવગુણે રહ્યો રે અળગો. હરિહરિ.
પરપંચ પરહરો,સારા હૃદિયે ધરો,
ઊચરો હરિમુખે અચળ વાણી;
નરસૈંયા હરિતણી ભક્તિ મા,
ભક્તિ વિના બીજું ધૂળધાણી. હરિહરિ.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો