એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી‚
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે‚ ઘડીકમાં ઊતરે રે જી‚
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી‚
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી‚ ક્રોધી ને લોભી‚ લાલચુ રે‚
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી‚
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો