ભીડભંજની

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

અંબા અનાથોના નાથ ભીડભંજની

હેમ હિંડોળે હીંચતી રે

હીંચકે આરાસુરી માત ભીડભંજની

સખીઓ સંગાથે ગોઠડી રે

આવી આઠમની રાત ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

સર્વે આરાસુરી ચોકમાં રે

આવો તો રમીએ રાસ ભીડભંજની

એવે સમે આકાશથી રે

આવ્યો કરુણ પોકાર ભીડભંજની

કોણે બોલાવી મુજને રે

કોણે કર્યો મુને સાદ ભીડભંજની

મધ દરિયે તોફાનમાં રે

માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

કીધી કમાણી શું કામની રે

જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડભંજની

વાયુ ભયંકર ફૂંકતો રે

આ વેરી થયો વરસાદ ભીડભંજની

પાણી ભરાણાં વ્હાણમાં રે

એ કેમ કાઢ્યા જાય ભીડભંજની

આશાભર્યો હું તો આવિયો રે

વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

હૈયું રહે નહિ હાથમાં રે

આજ દરિયે વાળ્યો દાટ ભીડભંજની મારે તમારો આશરો રે

આવો આવોને મોરી માત ભીડભંજની

અંબા હિંડોળેથી ઊતર્યાં રે

ઊતર્યાં આરાસુરી માત ભીડભંજની

સખીઓ તે લાગી પૂછવા રે

તમે ક્યાંરે કીધાં પરિયાણ ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

વાત વધુ પછી પૂછજો રે

આજ બાળ મારો ગભરાય ભીડભંજની

ભક્ત મારો ભીડ પડિયો રે

હવે મારાથી કેમ ખમાય ભીડભંજની

કેમ કરી નારાયણી રે

સિંહે થયા અસવાર ભીડભંજની

ત્રિશૂળ લીધું હાથમાં રે

એવું તાર્યું વણિકનું વ્હાણ ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

એવું અમારું તારજો રે

માતા છો દીનદયાળ ભીડભંજની

ધન્ય જનેતા આપને રે

ધન્ય દયાના નિધાન ભીડભંજની

પ્રગટ પરચો આપનો રે

દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની

ભીડ સેવકની ભાંગજો રે

આ સમરે કરજો સહાય ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે

અંબા અભયપદ દાયિની રે

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Bhidbhanjani lyrics, lyrics, Bhidbhanjani gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in