રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,
એક તું એક તું એમ કહેવું.
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેને ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતર હોય તેને દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું.
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંયા સ્વામીને, સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર ને નારી.
શેર કરો
ડાઉનલોડ કરો
ઓડિયો / વિડીયો શોધો